ભાષાને ધબકતી રાખો

સ્વચ્છ પાણી અને શુદ્ધ પાણીમાં તફાવત શું? સ્વચ્છ પાણી એટલે ગંદકી મુક્ત પાણી જેમાં સ્નાન કરી શકાય પરંતુ એને પી શકાય નહિ. શુદ્ધ પાણી એટલે બેક્ટેરિયામુક્ત પાણી જેને પીવાના કામમાં લઈ શકાય. સ્વચ્છ પાણીની જેમ સ્વચ્છ આંગણું હોઈ શકે પરંતુ શુદ્ધ પાણીની જેમ શુદ્ધ જમીન ન હોઈ શકે. જમીન સ્વચ્છ છે એવું જરૂર કહી શકાય. આ લખવાનું કારણ એટલું જ કે એક વાર વડોદરાના રેલ્વે સ્ટેશનની બહાર વિશાળ બોર્ડ રાખેલું હતું, જેમાં લખ્યું હતું: ‘સ્વચ્છ પાણી પીવાનું રાખો અને રહેવાની જગ્યા શુદ્ધ રાખો, પરિણામે રોગથી બચો.’ છાપામાં મલ્ટીનેશનલ કંપનીની અનેક જાહેરાતો ગુજરાતી ભાષામાં આવે છે જેમાં ગુજરાતીમાં અનુવાદ થયેલ માહિતી વાંચતા તરત ખબર પડી જાય છે કે અનુવાદ કરનાર વ્યક્તિ ગુજરાતી નથી. ઘણા નાણા ખર્ચવા છતાં શું તેઓને સારા અનુવાદકો નહિ મળતા હોય ? તેઓ ‘ડભોઈ’ નગરને ‘દાભોઈ’ એવું લખે છે. નેશનલ હાઈવે નં. 8 પર દશરથ ગામથી વાસદ તરફ આગળ જાઓ એટલે સાંકરદા ગામનું બોર્ડ આવે છે જેને ગુજરાતીમાં ‘સાખરડા’ એવું લખ્યું છે. ક્રેડીટ ગોઝ ટુ નેશનલ રોડ ઓથોરિટી ઓફ ઈંડિયા.

કેટલાક જાણીતા થયેલા ગુજરાતી સુવાક્યો ભુતકાળના કોઈ ગુજરાતી સાહિત્યકારે જ અનુવાદિત કર્યા હોવા છતાં એ વાંચતા ચીડ ચડે છે. લોકબોલીના, તળપદા શબ્દોનો જાણી જોઈને પ્રયોગ કરાયો હોવા છતાં કહેવાનું મન થાય છે કે જીવનને વિકાસની ટોચ પર લઈ જનારા વાક્યોના શબ્દો પણ વૈભવી અને શ્રીમંત જ હોવા જોઈએ. વિવેકાનંદે તૈત્તિરીય ઉપનિષદનું એક વાક્ય જાણીતું કર્યું હતું: ‘ઉત્તિષ્ઠત, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત.’ એનું ગુજરાતી કરવામાં આવ્યું: ‘ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’ આ – ‘મંડ્યા રહો’ એટલે શું ? ‘અવિરત પ્રયત્નશીલ રહો’ – એવું કંઈક હોવું જોઈએ. અંગ્રેજીના ‘વેલકમ’નું ગુજરાતી કર્યું ‘ભલે પધાર્યા.’ ‘ભલે’ શબ્દનો ચલણી અર્થ થાય છે – ‘અમને વાંધો નથી.’ આ અર્થમાં મહેમાનને કહેવામાં આવે કે ‘ભલે પધાર્યા’ તો ‘આપના આગમન સામે અમને કોઈ વાંધો નથી’ એવો અર્થ થાય. આમાં મહેમાનના સ્વાગતનો કોઈ ઉમળકો જોવા મળતો નથી. આથી ‘ભલે પધાર્યા’ એવું ગુજરાતી બરાબર નથી.

ગુજરાતીઓનું નવું વર્ષ બલિપ્રતિપદાના દિવસે આવે છે: કારતક સુદ એકમ. એ દિવસે સહુ એકબીજાને પ્રેમથી નુતન વર્ષના અભિનંદન પાઠવે છે. તમે એ દિવસે એવું તે શું કર્યું કે તમને અભિનંદન આપવાના ! તમને નોકરી મળી? તમે લગ્ન કર્યા? તમારું પ્રમોશન થયું? ના, તો અભિનંદન શેના ? ખરેખર તો એ દિવસે આપણે વધુ સારા માણસ બનવા માટેના સંકલ્પો લીધા, જીવનને વેડફી નાંખવાને બદલે એનો વિકાસ કરવાનું નક્કી કર્યું. તમારા એ શુભ સંકલ્પ માટે તમને અભિનંદન. આ નુતન વર્ષના અભિનંદન કહેવામાં પણ બહુ લાંબુ થઈ જતું હોય એમ સૌ એકબીજાને ‘સાલમુબારક’ કહે છે. અરે ભાઈ, આપણી ગુજરાતી ભાષા માટે થોડું તો ગૌરવ રાખીએ ! જન્મદિવસ કરતા પણ વધુ પ્રિય એવા નવા વર્ષના પ્રથમ દિવસે અભિનંદન તો ઓછા નામે ગુજરાતી ભાષામાં આપીએ ! એરપોર્ટનું ગુજરાતી ‘વિમાનઘર’ કરવામાં આવે છે – વિમાન જ્યાં રહે છે તે જગ્યા. અરે ભાઈ, વિમાન ત્યાં રહે છે કે ત્યાં આવન-જાવન કરે છે ? જ્યારે ‘સ્ટેશન’નું ગુજરાતી ‘વિરામસ્થળ’ – એવું કરાય છે. ટ્રેન ત્યાં વિરામ લે છે – એવો અર્થ થાય. ટ્રેનને વિરામની જરૂર છે ખરી ? ખરેખર તો ટ્રેન સ્ટેશનના પ્લેટફોર્મ પર નહિ પરંતુ જ્યારે યાર્ડમાં જાય છે ત્યાં એ વિરામ લે છે. પ્લેટફોર્મ પર તો એ બોજ ઉઠાવવા માટે આવે છે. પોર્ટનું ગુજરાતી ‘બંદર’ થાય છે. જે નગર દરિયાકિનારે હોય એને બંદર કહેવાય છે. એરપોર્ટનું ગુજરાતી શું થઈ શકે ? હવાઈ બંદર ? શું એરપોર્ટનું ગુજરાતી કરવું અનિવાર્ય છે? ‘સ્ટેશન’ની જેમ વ્યવહારમાં ‘એરપોર્ટ’ શબ્દ સ્વીકારી ન શકાય ?

અપભ્રંશ કેવી રીતે થાય છે ?

અભણ અને અંગુઠાછાપ માણસો કોઈ શબ્દનો ઉચ્ચાર સાંભળે અને એને જે રીતે ગ્રહણ કરે તેનો જે ઉચ્ચાર કરે છે તેનાથી શબ્દોનો અપભ્રંશ થાય છે. આદિવાસી લોકો ‘કોંટ્રાક્ટર’ જેવો ભારેખમ શબ્દ ઉચ્ચારી શકતા નથી તેથી તેઓ ‘કોંત્રાટી’ એવો ઉચ્ચાર કરે છે. ‘કેટલા’ કે ‘કેટલું’ ની જગ્યાએ તેઓ ‘કીતરા – કીતરું’ એવો ઉચ્ચાર કરે છે. અમારા ઘરની કામવાળી બાઈ સવિતાનો વર છોટુ મકાન રંગવાનું કામ કરે છે. એ મને કહે, ‘રંગનો ડબો બ્રાડી ઈસ્કૂલ પાસેની દુકાનેથી લાવજો.’ મને સાંભળવાની મજા પડી ગઈ એટલે મેં ફરી પૂછ્યું, ‘ક્યાંથી લાવું ?’ એટલે મને શીખવાડતો હોય એમ એ મને કહે, ‘બ્રાઆઆઆડીઈઈઈઈ ઈસ્કૂલ પાસેની દુકાનેથી.’ હકીકતમાં એ ‘બ્રાઈટ સ્કૂલ’નો ઉચ્ચાર ‘બ્રાડી ઈસ્કૂલ’ કરતો  હતો. ગામડાના માણસો શહેર જાય કે આસપાસના ગામે જાય તો કહેશે, ‘શહેર નાહી જ્યો ‘તો.’ ‘બાજુના ગોમડે નાહી જ્યો ‘તો.’ ‘શહેર જઈને આવ્યો’ એમ કહેવાને બદલે ‘નાહી જ્યો ‘તો’ એવું તેઓ શા માટે કહે છે? ‘નાસી જવું’ એટલે તો ‘ડરીને ભાગી જવું.’ હકીકતમાં તેઓ કોઈ કામે ગયા હોય છે છતાં ‘નાહી જ્યો ‘તો’ એવો શબ્દ પ્રયોગ કરે છે. વ્યવસ્થિત શબ્દનું અપભ્રંશ ભવિષ્યમાં ‘વેવસ્તિક’ એવું થવાનું છે. વડોદરામાં કારેલીબાગથી ફતેપુરા જતા હાથીખાના તરફ જતા રસ્તા પાસે જમણી બાજુ એક ઘર આગળ કાળા કલરના બેકગ્રાઉંડમાં સફેદ રંગથી સુંદર અક્ષરે લખ્યું છે: ‘વાહનનું વેવસ્તિક પાર્કિંગ કરવું.’

ગુજરાતી ભાષામાં ફુલોના નામ જોતા જણાય છે કે એ નામો અભ્યાસુ વિદ્વાન વર્ગે પાડ્યા હશે. આમ તો તમામ ભારતીય ભાષા સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવી છે અને ગુજરાતી ભાષા પણ એમાંની એક છે છતાં એના વ્યવહારમાં વપરાતા શબ્દો જોતાં એને પ્રયોજનાર વર્ગ જુદા-જુદા હોઈ શકે. ગુજરાતી ભાષામાં ફુલોના નામ સભ્ય જણાય છે. દા.ત. ગુલાબ, મોગરો, રાતરાણી અથવા પારિજાતક, જાસૂદ, કરેણ, ચંપો, બારમાસી, કમળ વગેરે. જે પક્ષીઓ ઘરે-ઘરે જોવા મળે છે એના નામમાં ગામઠીપણું હોવાથી એમાં તોછડાઈ છે, શબ્દો થોડા રફ છે. બની શકે કે એ પક્ષીઓ સાથેનો નાતો આત્મીયતાનો હોવાથી પણ નામોમાં ઘરેલુંપણાની છાંટ જોવા મળતી હોય. દા.ત. ચકલી (ચક ચક કરતી ચકલી), કાગડો (કા કા કરતો કાગડો), સમડી (વાંકી-ચુકી નહિ પરંતુ બન્ને પાંખોને સમાન રાખીને સમ સમ કરતી ઉડતી એવી સમડી), કુકડો/કુકડી (કુક કુક કરતા મરઘો/મરઘી), કલકલીયો, સુઘરી (સારુ ઘર બનાવતી), બગલો, શકરો (બાજ) વગેરે નામમાં અલો/અલી-પણું છે. જ્યારે ઘણા નામો સભ્ય જણાય છે. દા.ત. મોર, પોપટ, બુલબુલ, પારેવા, કબૂતર, કાબર, કોયલ, હંસ, ગીધ, ગરુડ વગેરે. પશુઓમાં જોઈએ તો કુતરો, બિલાડી, આખલો, પાડો, બકરી, ગધેડો, ચિત્તો, દિપડો વગેરે નામોમાં તુચ્છકાર છે જ્યારે ગાય, ભેંસ, સિંહ, વાઘ, શિયાળ, વરૂ, રિંછ, હરણ, ઝરખ વગેરે નામો સભ્ય જણાય છે.

એબ્રીવિએશનની કળા આવકાર્ય છે તેમ છતાં એના પર મર્યાદા જરૂરી છે. વ્યક્તિ, ભગવાન કે ગામનું નામ ઘણું લાંબુ હોય તો પણ એ આખું લખાવું તેમજ બોલાવું જોઈએ. એમાં ભાષાપ્રેમની સાથે-સાથે સંસ્કારની સુગંધ માણવા મળે છે. આજે ‘જય શ્રીકૃષ્ણ’ કહેવાને બદલે ‘જે.એસ.કે.’ લખવાનું ચલણ છે. વલ્લભવિદ્યાનગરના બદલે વી.વી.નગર., કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાળાને બદલે કિ. ઘ. મ. મુમ્બઈનો એસ. વી. રોડ કોના નામ પરથી છે? ચં. ચી. મહેતા ઓડિટોરિયમ કયા સાહિત્યકારનું સ્મરણ કરાવે છે? એસ. પી. યુનિ., એમ. એસ. યુ. એટલે શું? આ રીતે નામોચ્ચાર કરવામાં જે-તે મહાપુરુષોનું સમ્માન જળવાય છે ખરું? જેમણે આવનારી સેંકડો પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરીને અઢળક દાન આપ્યું એના પ્રત્યે કૃતજ્ઞતા દાખવવા એનું નામ પણ યાદ રાખવાનું શિક્ષણ ન આપાતું હોય એવા વિદ્યાધામો માનવને ઘડનારા કેવી રીતે કહી શકાય ? એન & એ આર્ટ્સ કોલેજમાં જે બે નામો છે એ બન્ને ભાઈ-બહેન હતા એવી કલ્પના આજના યુગમાં તરત કોઈને આવે ખરી ? સંસ્થાના બિલ્ડિંગ પર એના દાતાએ સુચવેલું નામ લખી નાંખ્યું એટલે શું ઋણ અદા થઈ ગયું ? એસ. એન. ડી. ટી. કોલેજમાં ભણી ચુકેલી કેટલી બહેનોને એ કોલેજનું આખું નામ યાદ હશે ? ડિગ્રી, હોદ્દો વગેરેમાં એબ્રીવિએશન આવકાર્ય છે પરંતુ માનવગૌરવ જળવાય એ માટે મનુષ્ય તેમજ તેઓના આરાધ્યદેવના નામો લખવામાં કે બોલવામાં આળસ કરવી બરાબર નથી.

‘ભાષા જાય તો સંસ્કૃતિ જાય’ એવી અણમોલ વાતની સાથે-સાથે જરૂરી છે કે ટકેલી ભાષા સમૃદ્ધ તેમજ વૈભવી હોવી જોઈએ. લોકબોલીની ભાષામાં તળપદા શબ્દો રહેવાના જ છે છતાં ભાષાનું ગૌરવ જાળવવું તેમજ લખાણની ભાષામાં અતિશુદ્ધતા જાળવવી એ આપણા સૌની ફરજ છે. મૂળ શબ્દો જળવાશે ત્યારે જ કહી શકાશે ને કે કયો શબ્દ અપભ્રંશ થઈને એના સ્થાને કયો શબ્દ ચલણમાં આવ્યો છે !

સૌજન્ય સાથે આભાર—http://kalpeshsoni.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s